સંવેદનામાંથી સંકલ્પ પ્રગટે છે..!
મા. શંકરભાઈ ચૌધરીના જીવનનો એક સુંદર પ્રસંગ.વિજયપર્વની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે. આપણે સૌ એ શસ્ત્ર અને શાસ્ત્રના પૂજન સાથે સંકલ્પને પણ જાગૃત કર્યો હશે. હવે દિવાળી આવશે. ઉત્સાહનું પર્વ આવશે. નવું વરસ ફરીથી નવા સંકલ્પો સાથે શરૂ થશે. આજે માત્ર સંકલ્પની ફિલસૂફી લખવી નથી, હકીકત લખવી છે. એ પૂરી થયાની વાત લખવી છે. એક અનોખા ઈન્સાનની વાત કરવી છે.
એક ગાડીમાં પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. ચોમાસાની ઋતુ હતી. રસ્તામાં વરસાદની ફરફર ચાલુ હતી. ગાડીમાં બેઠેલી એક નાનકડી બેબી બારીમાંથી અચરજ નિહાળી રહી હતી. બાળકના કૂતુહલની કોઈ સીમા હોતી નથી. રોડની બાજુમાં કેટલાંક છોકરાં તેમના પરિવાર સાથે ચાલી રહ્યાં હતાં. બેબી ગાડી બહારના બાળપણને જોતાં ગાડીનો કાચ ખોલવાનો પ્રયાસ કરે છે. તેના પપ્પાએ એમ કરતાં તેને રોકતાં કહ્યું : "બેટા, કાચ ન ખોલીશ, પલળી જવાશે...!" ત્યારે એ નાનકડી કૂતુહલ ભરેલી બેબી જે જવાબ આપે છે. એ જવાબમાં કેવી નિર્દોષ સંવેદના છે એ વાંચવા જેવી છે. "પપ્પા, આ લોકો પણ વરસાદમાં પલળી રહ્યાં છે. શું એમને ગાડી નહીં હોય કે તેઓ એમના ઘેર જતાં હશે ?" આ સામાન્ય જવાબ પેલા સંવેદનશીલ પુરુષને સ્પર્શી ગયો. તેમણે તરત ગાડી ઊભી રખાવી. પેલા રસ્તા ઉપર ચાલતાં લોકોને પૂછ્યું : "તમે બધાં ક્યાં જઈ રહ્યા છો. તમારાં ઘર ક્યાં છે..?" પેલા લોકોમાંથી એકે જવાબ આપ્યો. "અમારે ઘર નથી સાહેબ, જ્યાં આશરો મળે ત્યાં રોકાઈ જવાનું હોય છે. અમે વાદી છીએ, સાહેબ. ફરતાં રહીએ છીએ."
પેલા સાહેબની સંવેદના ચગડોળે ચડી. આ લોકો માટે શું થઈ શકે...? એ સવાલ એમના મન ઉપર સવાર થઈ ગયો. પોતાની દૃઢઇચ્છા શક્તિ અને કશુંક કરવાની ઉમ્મીદ આકાર ધારણ કરે છે. બનાસકાંઠા જિલ્લાના રાધનપુર પાસેના પોતાના ગામ વડનગરમાં તેઓ દસ વીઘા જમીનમાં વાદીનગર બનાવે છે. પોતાના વિસ્તારમાં આશરા વિનાનાના લોકો માટે એક સુંદર આશિયાનું તૈયાર થયું. સંવેદના સંકલ્પ બની ગઈ અને પછી હકીકત પણ...! એ સદગૃહસ્થ એટલે આપણા વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી. તેમને હું ક્યારેય મળ્યો નથી. પણ તેમની વાતો સાંભળી છે. રાજનીતિ એટલે જ સેવા. રાજનીતિ એટલે જ સંવેદના. પોતાના દેશ માટે અને સમગ્ર માનવજાત માટે કેટલું કરી શકાય એવી દૃષ્ટિથી રાજનીતિજ્ઞ ભરેલો હોવો જોઈએ. મા. ચૌધરી સાહેબ માટે આ વાત એક્દમ યોગ્ય લાગે છે.
મા.શંકરભાઈએ કરેલો એક બીજો સંકલ્પ પણ યાદ આવે છે. એમણે જ્યાં સુધી બનાસકાંઠામાં નર્મદાનાં નીર ન આવે ત્યાં સુધી પલંગ ઉપર ન સુવાની પ્રતિજ્ઞા લીધેલી. અને દૃષ્ટિવાન વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીના ઉત્કૃષ્ઠ પ્રયાસે બનાસકાંઠા હરિયાળો બન્યો. મા. મોદીજી પણ સંકલ્પબદ્ધ રાજનેતા છે. જ્યારે બનાસકાંઠા વિસ્તારમાં માં નર્મદાનાં નીર આવ્યાં ત્યારે શંકરભાઈએ પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં પલંગમાં સૂવાનું શરૂ કર્યું હતું. આવી વાતોથી રાજી થવાય છે. આવા નેતાઓથી પ્રદેશને સુખાકારી મળે છે. જન સમુદાયમાં પરિતોષ વ્યાપે છે. આજે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્ર ખૂબ જ પ્રગતિ કરી રહયું છે. બનાસ ડેરી એશિયાની પ્રથમ હરોળમાં આવી ગઈ છે. ખેડૂતનો આધાર પાણી અને પશુપાલન છે. જગતનો તાત ખેડૂત મહેનતથી ક્યારેય ડરતો નથી. કેવળ આ બે બાબતે સદ્ધરતા આવી જાય તો પછી ખેડૂત બાપરો બિચારો પણ રહેતો નથી. મહેનતના જોરે એ બધું કરી જાણે છે. એક નેતાની અંગત સંવેદનશીલતા પ્રબળ હોય ત્યારે આ બે જરૂરિયાતો સો ટકા પૂરી થતી હોય છે. ગુજરાતનો મોટાભાગનો માનવ સમુદાય ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. એ વાત સૌ કોઈ જાણે છે.
આ બે સંકલ્પોની વાત મૂકીને હું શંકરભાઈને વંદન પાઠવું છું. જે સંકલ્પિત છે એ જ સમર્થતાને વરે છે. એ સત્ય સનાતન છે. આજે ગુજરાત રાજ્યની વિધાનસભાના ઉચ્ચ પદે તેઓ બિરાજમાન છે. એના મૂળમાં પોતાની સંવેદના છે, પોતાનો સંકલ્પિત સ્વભાવ છે. પોતે ખેડૂતનું સંતાન છે. અને બનાસકાંઠા તો સંસ્કૃતિની ધરોહરને સાચવીને બેઠો છે. આજે પણ આ વિસ્તારના લોકોની મહેમાનગતિમાં મીઠાશ છે. તેમના ખોરાકમાં સાત્વિકતા છે. અને ત્યાં ભોળપણ ભરેલું લોકજીવન છે. એટલે એમનામાં ખુમારી છે. એ ધરતીના ધાવણમાં સત્વ ભરેલું છે. એ ભોળા પ્રદેશના માનવ શંકરભાઈ એટલે નોખા તરી આવે છે. એમની વાણીમાં અને વર્તનમાં મીઠાશ આગવી તરી આવે છે. આમ તો અભાવોમાંથી જ ખરેખરો ઇન્સાન પેદા થતો હોય છે. અભાવો તેનામાં સંકલ્પ વાવે છે. કશુંક કરવાની પ્રતિજ્ઞાઓ વાવે છે. પછી શરૂ થાય છે એક જીવનની અદ્ભુત યાત્રા..! અને એ યાત્રા સુંદર મુકામ કરનારી બનતી જાય છે. હકીકતો ખરેખરો આકાર સજીને ઊભી થાય છે. ક્યારેક એ સપનાં લઈને નિકળી પડનારો કોઈ માણસ આગવી ઓળખે માનનીય વિધાનસભાના અધ્યક્ષ સ્થાને પહોંચી જાય છે. જિંદગી જ્યારે સંકલ્પિત યાત્રા બની જાય પછી એ અનેક અચરજો ઊભાં કરતી હોય છે.
મનુષ્ય જીવનના વૈયક્તિક સંકલ્પ પૂરાં થતાં આપણે જોઈએ છીએ. પરંતુ જ્યારે સંકલ્પ સમષ્ટી માટે થાય છે ત્યારે એમાં ઈશ્વરીય શક્તિ ભળતી હોય છે. જ્યારે માનવ બીજાનો વિચાર કરવાનું શરૂ કરે પછી એને રોકવો મુશ્કેલ છે. એની ગતિમાં નદીના જેવું ગાંભીર્ય છવાતું જાય છે. નદીના જેવી ગતિ અને લાંબી મજલની અથાક યાત્રા સંભવ બને છે. હિન્દુ ધર્મના તહેવારો મનુષ્ય માત્રમાં નવું ચૈતન્ય ભરવા માટે આવે છે. આ ચેતનાની અનુભૂતિ એ જ મનુષ્ય હોવાની ઓળખ..! એનો સથવારો મળી જાય પછી જીવન ખરેખરું જીવવા જેવું લાગતું હોય છે. કેટલાક પ્રસંગ, કેટલીક ઘટનાઓ અને કેટલાક ઉત્સવો જીવનની દિશાના માર્ગદર્શન માટે તો આવે છે. આ બધામાંથી આપણે શીખીએ છીએ. આખુય જગત શીખે છે. અને જે શીખે છે એ વિકસે છે, એ નિર્વિવાદ વાત છે.
'વિજયપર્વ' ફરી ફરી આપણા સંકલ્પોની યાદ તાજી કરાવવા આવે છે. વિજયા દસમી એટલે કે દશેરા પહેલાં શક્તિનું આરાધના પર્વ આવે છે. એટલે સંકલ્પ કરતાં પહેલાં તપસ્યા કરવી પડે, સાધના કરવી પડે. આ માત્ર સંયોગ નથી, તેમાં સત્યતા છે. આવાં ઈશ્વરીય બળોને સમજીને આગળ વધતા રહેલાં લોકોને કાયમ શત શત નમન હોય. આવી જ કોઈ ઈશ્વરીય સંકલ્પનાના સાક્ષી બનીને કામ કરનારા મા. શંકરભાઈ ચૌધરીને દિલથી સલામ...!
drbrijeshkumar.org
drworldpeace.blogspot.com
Dr.brij59@gmail.com

No comments:
Thanks 👏 to read blog.I'm very grateful to YOU.